HomeAllમહેન્દ્રનગરમાં ૧૫ દિવસથી પાણી વિતરણ બંધ થતાં લોકોમાં ભારે આક્રોશ

મહેન્દ્રનગરમાં ૧૫ દિવસથી પાણી વિતરણ બંધ થતાં લોકોમાં ભારે આક્રોશ

ગરમીના દિવસોમાં જ પાણી પુરવઠો ન મળતા સ્થાનિકોમાં અસંતોષ વ્યાપ્યો, મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પાણી શરૂ કરવાની માંગ

મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા અંદાજે ૧૨ થી ૧૫ દિવસથી કોર્પોરેશન દ્વારા કોઈપણ સ્પષ્ટ કારણ વિના પાણી વિતરણ બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. કાળઝાળ ગરમી વચ્ચે પાણી જેવી મૂળભૂત સુવિધાથી લોકો વંચિત રહેતા રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.

સમગ્ર મામલે મહેન્દ્રનગર વિસ્તારના અગ્રણી મુકેશભાઈ ગામીએ મોરબી મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારમાં પાણી પુરવઠો બંધ હોવાથી પીવાના પાણી તેમજ દૈનિક વપરાશ માટે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ઉનાળાની ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ હોવા છતાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવતા નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણી ન મળવાને કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદી જરૂરિયાતો માટે લોકોને દૂર દૂરથી પાણી લાવવાની ફરજ પડી રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

મુકેશભાઈ ગામીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી મહેન્દ્રનગર વિસ્તારમાં પાણી વિતરણ શા માટે બંધ કરવામાં આવ્યું છે તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે તેમજ બંધ કરાયેલો પાણી પુરવઠો વહેલી તકે પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ન સર્જાય તે માટે યોગ્ય આયોજન અને જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments