ગરમીના દિવસોમાં પીજીવીસીએલની બેદરકારીથી વેપારીઓ અને રહિશો પરેશાન

મોરબી : મોરબી શહેરમાં પીજીવીસીએલના અવારનવાર થતા વીજ ધાંધિયાથી લોકો પરેશાન બની રહ્યા છે. ત્યારે શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલા આઈટીઆઈ તથા આસપાસના વિસ્તારોમાં ગઈકાલે બપોરે અંદાજે ૩ વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિક વેપારીઓ અને રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કાળઝાળ ગરમી અને બફારાભર્યા વાતાવરણ વચ્ચે કલાકો સુધી લાઈટ ગુલ રહેતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા.

મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલા નંદન પ્લાઝા-૧, વર્લ્ડ ટ્રેડ સેન્ટર સહિત કુલ પાંચ જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અંદાજે ૩૦૦ જેટલા વેપારીઓ વેપાર-ધંધો કરે છે. વીજ પુરવઠો ખોરવાતા તમામ વેપારિક પ્રવૃત્તિઓ પર સીધી અસર પહોંચી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ પીપળી ફીડરમાં ખામી સર્જાતા પીજીવીસીએલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, સંબંધિત એન્જિનિયર કે અધિકારીઓ દ્વારા રિપેરિંગ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઈ ચોક્કસ સમય આપવામાં આવ્યો ન હતો.

વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, ગઈકાલે બપોરથી વીજળી ગુલ હોવા છતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા ન હતા અને રાતભર લોકો લાઈટ વગર પરેશાન થયા હતા. છેક મંગળવારે સવારે રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવતા વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

ગરમીના દિવસોમાં લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા રહેણાંક વિસ્તારોમાં પણ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોએ પીજીવીસીએલ તંત્ર પાસે તાત્કાલિક અને અસરકારક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે.

























