HomeAllકાંતિ અમૃતિયા VS કારાભાઈ અમૃતિયાઃ ખેડૂતોની પડખે આવીને ઉભા રહ્યા મંત્રીના સગાભાઈ,...

કાંતિ અમૃતિયા VS કારાભાઈ અમૃતિયાઃ ખેડૂતોની પડખે આવીને ઉભા રહ્યા મંત્રીના સગાભાઈ, કહ્યું- ‘જેને આવવું હોય એ આવે, હું કોઈને મૂકવાનો નથી’

મોરબીના જેતપર ગામે વીજ લાઈન નાખતી કંપની સામે ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે. આ આંદોલનમાં ગુજરાત સરકારના મંત્રી કાંતિ અમૃતિયા (Kantilal Amrutiya)ના સગાભાઈ રાકેશભાઈ ઉર્ફે કારાભાઈ અમૃતિયાએ ખેડૂતોને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

મોરબીના જેતપર ગામે વીજ લાઈન નાખતી કંપની સામે ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે. આ આંદોલનમાં ગુજરાત સરકારના મંત્રી કાંતિ અમૃતિયા (Kantilal Amrutiya)ના સગાભાઈ રાકેશભાઈ ઉર્ફે કારાભાઈ અમૃતિયાએ ખેડૂતોને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે, “યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે, જેને આવવું હોય તે આવી જાય, યમરાજ પણ આવે તો પણ હું પાડો હાંકી લઈશ.

મારા બાપના ગામ માટે બલિદાન આપવું પડે તો તૈયાર છું.”
સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેડૂતો અત્યારે ખેતરમાં વીજ લાઈન નાખતી કંપની સામે વિરોધ કરી રહ્યા છે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.

સાથે જ કંપનીના અધિકારીઓ પોલીસને સાથે રાખી પોતાના જ ખેતરમાં આવીને દાદાગીરી કરી રહ્યા હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોઢ ગામ બાદ હવે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી અને મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના જેતપર ગામે નાખવામાં આવી રહેલી વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે. ખેડૂતો પોતાના હક્કના વળતર માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા છે.

ત્યારે મોરબીના જેતપર ગામે ગુરુવારે રાત્રે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ હાજર રહી હતી. આ દરમિયાન કાંતિલાલ અમૃતિયાના સગાભાઈ રાકેશભાઈ ઉર્ફે કારાભાઈ અમૃતિયાએ ખેડૂતોને લડી લેવા આહ્વાન કર્યું હતું અને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.

રાકેશભાઈએ ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, “કંપનીવાળાને કહી દીધું કે જેને આવું હોય તે આવી જાય, હવે હું કોઈને નથી મૂકવાનો, હવે યમરાજને આવું હોય તો પણ આવી જાય, પાડો હું હાંકી લઈશ. મારે કોઈ સાથે દુશ્મની નથી, મારે રાજનીતિ કરવી નથી. પણ મારે મારા બાપના ગામ માટે બલિદાન આપવું પડે તો પણ તૈયાર છું.” રાકેશભાઈનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

એક તરફ રાકેશભાઈ અમૃતિયા ખેડૂતોની પડખે ઉભા છે, તો બીજી બાજુ મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિલાલ અમૃતિયા ખેડૂતો આગેવાનોને આંદોલન સમેટી લેવા અને વિરોધ ન નોંધાવવા માટે અપીલ કરતા હોવાનું સામે આવ્યું છે. ગત બુધવારે કાંતિલાલ અમૃતિયા જેતપર ગામે પહોંચ્યા હતા.

જ્યાં તેઓએ કહ્યું હતું કે, લોકો વચ્ચે આજે એક લોકનેતા તરીકે નહીં પરંતુ ગામના દીકરા તરીકે આવ્યો છું. હું ગ્રામજનોની જાહેરમાં માફી માંગુ છું. જેતપર ખાતે ખેડૂતોને સંબોધતા મંત્રી કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, હું અહીં મારા ગામના ખેડૂતોને નુકસાન પહોંચાડવા નથી આવ્યો, પરંતુ તેમને મહત્તમ ફાયદો થાય તે માટે આવ્યો છું.

તેમણે વધુમાં ખાતરી આપી હતી કે, વીજપોલના કારણે જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે, તેમને યોગ્ય વળતર અપાવવા માટે વહીવટી તંત્ર અને કંપની સાથે બેસીને સુખદ રસ્તો કાઢવામાં આવશે.

જે બાદ કાંતિ અમૃતિયાએ કલેક્ટર કચેરી ખાતે કંપનીના અધિકારીઓ સાથે મીટીંગ યોજવા માટે ખેડૂતોને ખાતરી આપી હતી, પરંતુ કલેકટર કચેરી ખાતે કોઈ મીટીંગ યોજાઈ ન હતી અને મંત્રીએ ખાનગીમાં સર્કીટ હાઉસ ખાતે જેતપર ગામના ખેડૂત આગેવાનોને બોલાવીને ખાનગી મીટીંગ કરી હતી અને આંદોલન સમેટી લેવા દબાણ કરવામાં આવ્યું હોવાની માહિતી ખાનગી સૂત્રો પાસેથી મળી છે. જોકે, ખેડૂત આગેવાનોએ તેમની વાત સ્વીકારવાનો ચોખ્ખો ઈનકાર કરી દીધો હતો અને મીટિંગમાંથી નીકળી ગયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments