ગટર ઉભરાવાની સમસ્યા અને વીજ વિક્ષેપથી રહેવાસીઓ ત્રસ્ત, કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ

મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ પર ચાલી રહેલા માર્ગના નવીનીકરણનું કામ લાંબા સમયથી અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાથી સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત અને ટ્રાફિકવાળા માર્ગોમાં ગણાતા આ રોડ પર ચાલતી કામગીરીને કારણે રોજિંદા જનજીવન પર ગંભીર અસર પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

માહિતી મુજબ માર્ગ નિર્માણ માટે રોડનું ખોદકામ કરવામાં આવ્યું હોવાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શરૂ થઈ ગઈ હોવાથી સવારે અને સાંજે વિદ્યાર્થીઓના આવન-જાવનના સમયે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. પરિણામે વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય વાહનચાલકોને પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર માર્ગની કામગીરી દરમિયાન ગટરની લાઈનને પણ અસર પહોંચી હોવાથી અનેક સ્થળોએ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ ઉભી થઈ છે. ઉપરાંત ખોદકામને કારણે સમયાંતરે વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાતો હોવાથી રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
સ્થાનિક લોકોએ તંત્રને અપીલ કરી છે કે માર્ગ નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને જરૂરી હોય તો દિવસ-રાત સતત કામગીરી હાથ ધરી લોકોને રાહત આપવામાં આવે. તેમનું કહેવું છે કે કામમાં ઝડપ લાવવામાં આવશે તો ટ્રાફિક, ગટર અને અન્ય સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ શક્ય બનશે.


























